વૈયા :
વૈયા એ મેના કે કાબર કુળમાં આવે છે. જો
કે આપણે આ કુળમાં સહુથી વધુ પરિચિત કાબરથી
![]() |
Photo By Yagnesh Bhatt (Dharmaj - Gujarat ) |
છીએ. આ કુટુંબમાં સમગ્ર વિશ્વમાં કુલ
૧૨૦ પ્રજાતિઓ જોવા મળે છે.મધ્યમ કદના આ પક્ષીઓ મુખ્યત્વે ઘેરા રંગના જોવા મળે છે.
સમગ્ર વિશ્વમાં આ કુટુંબના સભ્યો યુરોપ, એશિયા, આફ્રીકાથી ઉત્તર ઓસ્ટ્રેલિયા અને
પેસિફિક મહાસાગરના વિષુવવૃત્તીય પ્રદેશો (ટાપુઓ)માં વિશેષ જોવા મળે છે.
વૈયું એ કાબર જેવું પણ કાબરથી સહેજ
નાનું હોવાથી તેને કાબર કુળમાં સ્ટાર્લીંગ ઉપકુળમાં મુકેલ છે. આપણે ત્યાં ચોમાસું
ઉતરતાં (જૂલાઈ માસથી) જોવા મળતું આ પક્ષી માર્ચ કે એપ્રિલ સુધી એટલે કે વર્ષના ૮
થી ૯ મહિના રહેતું હોવા છતાં તે સ્થાનિક પક્ષી ગણાતું નથી કારણકે પ્રજનન કરવા તે
યુરોપ, એશિયા, આફ્રીકા, રશિયા પાછું ફરે છે.
આપણે ત્યાં આ કાબર સાથે કુલ બે કાબરો
(વૈયા) પરદેશથી આવે છે. ૧) વૈયું કે ગુલાબી કાબર ૨) કાળું વૈયું
સ્થાનિક, અંગ્રેજી અને શાસ્ત્રીય નામ :
૧. વૈયું – Rosy
Starling – Pastor Roseus
2.
કાળું વૈયું - Common
Starling – Sturnus Vulgaris
વર્ગ (Order):
વૈયું, ચટક વર્ગ કે પેસેરીફોર્મ્સ વર્ગ
(Order Passeriformes
)માં આવે
છે. વિશ્વભરમાં સમગ્ર પક્ષી જગતમાં અડધાથી પણ વધુ પક્ષીઓ આ વર્ગમાં આવે છે. આ
પક્ષીઓને ઝાડ ઉપર બેસનારાં ( Perching Birds ) કે થોડે ઘણે અંશે ગાનારાં
પક્ષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ગ વિશ્વભરના પક્ષી જગતનાં ૧૧૦ કુટુંબોની કુલ ૫૦૦૦
શોધાયેલી પ્રજાતિઓ (Species )નો સમાવેશ કરે છે. જો કે આ
તમામ પ્રજાતિઓ અને તેમનાં કુટુંબો એકબીજાથી રંગ, અવાજ, કદ, પૂંછડી, પગ, ચાંચ એમ
ઘણી બધી રીતે જુદાં પડે છે' પરંતુ તે તમામને આ એક જ વર્ગ પેસેરીફોર્મ્સમાં શામાટે મુકવામાં
આવ્યાં છે તેની પાછળ તે તમામમાં જોવા મળતી કેટલીક ખાસ ખાસિયતો છે, biological - જૈવિક સમાનતાઓ છે, જે આપણે જોઈએ.
૧) આ વર્ગના પક્ષીઓના પગના પંજાની રચના
વિશિષ્ઠ અને એકસરખી છે.પંજાના ત્રણ આંગળા આગળ અને એક આંગળો પાછળ હોય છે. આ આંગળાઓ
બતકોની જેમ એકબીજાની સાથે ચામડી કે અન્ય
રીતે જોડાયેલાં નથી. પગના પંજાની આ રચનાને લીધે જ આ પક્ષીઓ ડાળી પર પકડીને
સહેલાઈથી બેસી શકે છે. આ તમામ પક્ષીઓના નહોર અણીવાળા તીક્ષ્ણ અને વળેલા હોય છે.
૨) આ વર્ગના પક્ષીઓ થોડું ઘણું કે સારામાં
સારું ગાનારાં પક્ષીઓ છે, જોકે કાગડાં અને બીજાં કેટલાંક અપવાદ છે.
૩) આ વર્ગના પક્ષીઓમાં નાનામાં નાના કદના
શક્કરખોરા ( અંગૂઠા જેટલા – ૧૦ સે.મી.)થી મધ્યમ કદનાં કાગડા સુધીનાં પક્ષીઓનો
સમાવેશ થાય છે.
૪) આ વર્ગના પક્ષીઓની પૂંછડીમાં
૧૨ પીંછા આવેલાં હોય છે સિવાય કે અવાજના ચાળા પાડતું લાયર બર્ડ ( જુઠ્ઠું પક્ષી ),
જેને ૧૬ પીંછા હોય છે.
૫) આ વર્ગના પક્ષીઓનાં ઈંડા રંગીન હોય છે. (સફેદ ક્યારેય નહીં.)
૬) આ વર્ગના પક્ષીઓ, જમીન સાથે સંકળાયેલાં હોય છે.
૭) બાયોલોજિકલી આ વર્ગના પક્ષીઓની ખોપરી અને તાળવાની રચના કે અવાજ ઉત્પન્ન
કરનાર સ્વરનળીના નીચલા છેડાના સ્નાયુની રચના એકસરખી હોય છે.
આપણી આસપાસનાં પક્ષીઓમાં પીળક, નવરંગ
અબાબીલ, ચંડોળ, લટોરાં, કાળોકોશી, કાબર, વૈયા, કાગડો, ખેરખટ્ટો, શોબિગી,
બુલબુલ, લેલાં, નાચણ, દૂધરાજ, દિવાળી ઘોડાં, શક્કરખોરા, સુઘરી વગેરેનો સમાવેશ આ વર્ગ માં કરવામાં આવે છે.
![]() |
Photo By Yagnesh Bhatt (Dharmaj - Gujarat ) |
કુટુંબ (Family):
વાચાળ કુળ ( સ્ટરનીડી –
Sturnidae ) કુટુંબમાં આ બંન્ને ઉપકુળ મેના અને વૈયાનો સમાવેશ થાય છે. મેનામાં સહુથી
પ્રચલિત આપણી કાબરનો સમાવેશ થાય છે જે સ્થાનિક છે જ્યારે વૈયા એ પ્રવાસી –
મુલાકાતી પક્ષી છે.
સ્ટરનીડી – Sturnidae કુટુંબની
વિશેષતામાં મજબુત મધ્યમ કદ, આગળથી નીચી ઢળતી મજબુત નાની ચાંચ, લાંબી અણીયાળી પાંખો, ચોરસ પુંછડી અને મજબૂત પગ અને પંજાનો સમાવેશ થાય છે.
તેમની ઉડાન સીધી જ હોય છે.તેઓ ટોળામાં જ વિશેષ જોવા મળે છે. તેઓ સર્વાહારી છે
જેમાં જંતુઓ, ફળો, જમીનના કીટકો, અનાજના દાણા વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યત્વે
ઘેરા ચળકતા રંગના હોય છે.ઘોંઘાટ કે સતત અવાજ કર્યા કરે છે. વળી વિવિધ પ્રકારના
બીજા અવાજોની નકલ કે મિમિક્રી સારી રીતે કરે છે.
વૈયાના ઉપકુળના પંખીઓ મુખ્યત્વે ભારત બહાર
યુરોપ અને અન્ય દેશોમાં જોવા મળે છે. વિદેશથી આવતા વૈયા ઉપકુળમાંથી ફક્ત બે જાતના વૈયા સમગ્ર ભારત અને
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં જોવા મળે છે. ૧) વૈયું અને ૨) કાળું વૈયું. વૈયાની
વિશેષ માહિતી આપણે મેળવીએ.
ઓળખ:
આશરે પંદરેક જાતની પ્રજાતિઓ પૈકીમાંથી આપણે ત્યાં વિદેશથી આવતી બંને
પ્રજાતિઓની ઓળખ મેળવીએ.
બંન્નેની સામાન્ય ઓળખમાં શરીર મજબૂત કે
ભરાવદાર, ટૂંકી ચોરસ પુંછડી, આગળથી સહેજ વળાંકવાળી અણીદાર મજબૂત ચાંચ, પીંછા પણ મોટેભાગે અણીદાર અને દુરથી જોતાં ગુલાબી રંગની
કાબર બેઠી હોય તેવું લાગે. વલી અગત્યનું એ કે સમુહચારી છે એટલેકે ટોળામાં જોવા મળે
અને તેમાં પણ ખુબજ ઘોંઘાટ કરતાં એકધારું ચક..ચક...ચક...તીણા કર્કશ અવાજથી બોલ્યાજ
કરતાં હોય છે. ઝાડ ઉપર મોટું ટોળું બેઠું હોય તો નીચેથી પસાર થતાં જ ઘોંઘાટને લીધે
તમારું ધ્યાન અવશ્ય ઉપર ખેંચાય જ વળી ઝાડ ઉપર પણ સહેલાઈથી દેખાય નહિ ધ્યાનથી શોધવા
પડે.
૧) વૈયા કે જેને ઘણા
મારવાડા તરીકે પણ ઓળખે છે તે કાબર કરતાં સહેજ પાતળા, એકવડિયું શરીર, ગુલાબી ચાંચ,
ગુલાબી શરીર, માથું, ડોક, પાંખો અને પુંછડી ચળકતા કાળા રંગના અને માથાપર ઢળેલી
અસ્તવ્યસ્ત કલગી જોવા મળે છે જે આપણે બ્રાહ્મણી કાબરમાં પણ જોઈએ છે. મોટેભાગે
વૃક્ષો ઉપર ટોળામાં રાતવાસો કરતાં હોય છે. વૈયા ને ટૂંકમાં રોઝી (Rosy) કે પેસ્ટર ( Pastor) તરીકે પણ બોલાય છે.
૨) કાળું વૈયું :
પરદેશથી આવતી આ બીજી કાબર કે વૈયું છે. અહીં આવે ત્યારે ઝાંખું હોય પણ શિયાળામાં ચળકતા
કાળા રંગનું જાણે તેલ લગાવ્યું હોય તેમ તડકામાં દેખાય છે. સમગ્ર શરીર ઉપર સફેદ
ટપકાં જોવા મળે છે. જોકે વૈયા જેટલી સંખ્યામાં આવતાં નથી તેથી એકદમ નજરે નાં ચડે
ખાસ કરીને વસવાટવાળાં શહેરી વિસ્તારમાં. પરંતુ ખેતરો કે આછા ઘાસનાં મેદાની ગ્રામ્ય
પ્રદેશોમાં જોવા મળી જાય. પ્રજનન સમયે રાખોડી કાળું ચળકતું શરીર અને પીળી ચાંચ હોય
છે જે શિયાળો આવતાં સંપૂર્ણ કાળા રંગનાં શરીરમાં સફેદ ટપકામાં રૂપાંતરિત થાય છે
તેમજ ચાંચ ધૂંધળી કાળી જોવા મળે છે. વૈયા કરતાં આ કાળું વૈયું પ્રમાણમાં ઓછું
બોલકું પણ જાત જાતના અવાજો (કાબરની જેમ) કરે છે પરંતુ તેનો સામાન્ય અવાજ કર્કશ
લાગે છે.
પાંખોનો ફેલાવો : ૩૭ થી ૪૦ સે.મી.
લંબાઈ : ૨૩ સે.મી.
ખોરાક :
જીવાત, ફળો, અનાજ એ તેમનો મુખ્ય ખોરાક. ખેતરોમાં વધુ જોવા મળે. પાક
પહેલાં જીવાતો અને ખાસ કરીને તીડનો નાશ કરે છે. અનાજના દાણા પણ તેમનો ખોરાક હોઈ
ખેડૂતોને ખુબ કાળજી રાખવી પડે છે કારણકે મોટા ટોળામાં આવતાં વૈયા પાકનો નાશ કરે
છે. જુવાર પાકી રહી હોય એવાં ખેતરોમાં વૈયા મોટી સંખ્યામાં જોવા મળે છે. ફૂલોમાંથી
રસ ચૂસવા પણ ટોળા ભેગા થાય છે ખાસ કરીને શીમળો તથા પાંડેરવા કેસુડાનાં ફૂલો વિશેષ
પસંદ પડે છે. પીલુનાં ફળ, પેપડા-પેપડી વગેરે માનીતું ભોજન.
રહેઠાણ :
ખેતરો આસપાસના વ્રુક્ષો ઉપર
કે એવાં પ્રકારના મેદાનોના વ્રુક્ષો ઉપર ૨૦૦ થી ૫૦૦ નાં ઝુંડમાં રહેતાં હોય છે.
શહેરી વિસ્તારોમાં પણ રસ્તાઓ ઉપરનાં વ્રુક્ષો ઉપર મોટી સખ્યામાં સતત ઘોંઘાટ કરતાં
જોવા મળે છે. બસ સ્ટેશનો, રેલ્વે સ્ટેશનો જેવી ભીડવાળી જગ્યાઓમાં પણ જોવા મળે છે.
સમુહચારી હોઈ મોટા ઝુંડમાં જ મોટા છાયાવાળા vruxomaaવ્રુક્ષોમાં વિશેષ જોવા મળે
છે.
લાક્ષણિકતા:
સમુહચારી હોવાથી હંમેશા ૧૦૦ – ૨૦૦ કે ૫૦૦નાં ટોળામાં સતત કર્કશ ઘોંઘાટ
સાથે અનાજના ખેતરો, ફૂલોવાળા વ્રુક્ષોમાં જોવા મળે છે.
અનાજના દાણાઓનો
ગંભીર રીતે નુકશાનકર્તા પણ તીડ નો પણ મોટાપાયે પોતાના ખોરાક દ્વારા નાશ કરે છે.
ફેલાવો:
વૈયા સમગ્ર ભારતમાં વિશાળ પ્રમાણમાં શિયાળુ પ્રવાસી.જુલાઈથી લગભગ
માર્ચ અને ક્યારેક એપ્રિલ સુધી જોવા મળે છે. કાળા વૈયા ગુજરાતમાં પ્રમાણમાં ઓછી
સંખ્યામાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં વિશેષ જોવા મળતાં કાળા વૈયા દક્ષિણ ગુજરાત
સુધી દ્રશ્યમાન છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં ઘણાં ઓછા, વિશેષ કરીને ઉત્તર ભારતના
પ્રદેશોમાં વિશેષ જોવા મળે છે.
પુખ્તતા:
૧ વર્ષની ઉંમરથી ૨ વર્ષની ઉંમર સુધીમાં
પ્રજનન ઋતુ :
એપ્રિલ થી જુન સુધી પરંતુ ભારતમાં નહીં પણ પૂર્વ યુરોપથી પશ્ચિમ –
મધ્ય એશિયા, રશિયા, તુર્કસ્તાન, હંગેરી વિગેરે દેશોમાં પ્રજનન કરે છે.
નેસ્ટીંગ (પ્રજનન) :
પર્વતીય પથરાળ વિસ્તારો, નદીકાંઠાની ભેખડો કે અવાવરું મકાનો,
ખંડેરોમાં, બખોલમાં કે છાપરાઓની બખોલમાં માળો કરે છે. માળો તણખલા, ઘાસ અને ઝાડની
નાની સળીઓનો બનાવે છે. નર માળાની જગ્યા શોધીને માળો બનાવે છે. ત્યારબાદ માદાને તે
આકર્ષે છે અને માદા બખોલના માળામાં ઈંડા મુકે છે. માદા ઈંડા સેવતી હોય ત્યારે
ઘણીવાર નર અન્ય એક માળો નજીકમાં બનાવી બીજી માદાને આકર્ષીને ઈંડા મુકાવે છે.
ઘણીવાર અન્ય કોઈ માદા, માળાના અભાવે, અન્ય માદાના ઈંડાને ફેંકીને પોતાનું ઈંડું
મુકે છે.
સેવવાનો સમયગાળો:
માળામાં ૪ થી ૭ ઈંડા મુકે છે. ૧૧ થી ૧૫ દિવસમાં ઈંડા સેવાઈ જાય છે અને
બચ્ચાં બહાર આવે છે.
બચ્ચાંની પરિપક્વતા:
બચ્ચાંને પીછાં આવતાં ૨૦ થી ૨૨ દિવસ લાગે છે. ત્યારબાદ સ્વતંત્ર રીતે
ઉડી શકે છે.
વૈયાના પ્રજનન સમય
દરમિયાન જ તીડનો પણ પ્રજનન સમય હોવાથી વૈયાના બચ્ચાંને ખોરાક માટે તીડનાં ઈંડા કે
બચ્ચાં મોટાપ્રમાણમાં મળી રહે છે. આમ યુરોપ વિસ્તારમાં તીડનો ઉપદ્રવ ઓછો કરવામાં
મદદ કરે છે.
પ્રજનન ગાળો :
વર્ષમાં ૧ થી ૨ એક સાથે પ્રજનન કરે છે.
જીવનકાળ:
આશરે ૨૦ વર્ષ સુધી.
Article By Malay Dave
25th January 2016
Email : davemalay@gmail.com
References :
1) Birds of the Indian
Subcontinent by Richard Grimmett
2) Birds of South Asia
The Ropley Guide Volume 1 & 2. By Pamela C.Rasmussen, John C.Anderton
3) Aaspas Na Pankhi
By shri Lalsinh Mansinh Raol ( In Gujarati Language, CEE Publication)
4) The Book of Indian
Birds by Shri Salim Ali 13th edition
5) Internet Web sites.
(This article is copyrighted.
For use of this article the permission of the author is required. The photograph
is provided by Shri Yagnesh Bhatt of Dharmaj ( Gujarat )
Email : davemalay@gmail.com
Really appreciable sir...I
ReplyDeleteSALUTE YOU FOR UR SPLENDID JOB...